મુંગેર : મહિલાના પગમાં દોઢ કલાક ફેણ ફેલાવીને લપેટાયેલો રહ્યો કોબરા !
. કલ્યાણ ટોલામાં લગભગ દોઢ કલાક સુધી એક મહિનાના પગમાં કોબરા લપેટાયેલો રહ્યો હતો
મુંગેર : બિહારના મુંગેરમાં 'जाको राखे साइयां मार सके ना कोय'વાળી કહેવત સાચી સાબિત થઈ છે. કલ્યાણ ટોલામાં લગભગ દોઢ કલાક સુધી એક મહિનાના પગમાં કોબરા લપેટાયેલો રહ્યો હતો. આ મહિલા જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડતી રહી હતી અને એ સમયે ત્યાં હાજર રહેલા લોકોને શું કરવું એ સમજમાં નહોતું આવી રહ્યું. લગભગ દોઢ કલાક પછી કોબરા મહિલાને હાનિ પહોંચાડ્યા વગર ત્યાંથી નીકળી જતા મહિલાને જાણે નવું જીવન મળી ગયું હતું.
આ ઘટના સોમવારની મોડી રાતની છે. પુતૂલ દેવી પોતાના ઘરમાં નીચે જમીન પર મચ્છરદાની લગાવીને સુઈ રહી હતી. નિંદરમાં મહિલાનો પગ મચ્છરદાનીની બહાર નીકળી ગયો હતો. મોડી રાત્રે મહિલાને જાણે તેના પગ કોઈએ બાંધી દીધા હોય એવું લાગ્યું હતું. પગ હલાવ્યા વગર મહિલાએ જોયું તો સફેદ કોબરા ફેણ ફેલાવીને બેઠો હતો. આ મહિલા ધીરજ જાળવીને શાંત ભાવથી પડી રહી હતી અને મનમાં ને મનમાં પ્રાર્થના કરવા લાગી હતી.
આ મહિલા ડરથી બૂમ પણ પાડી નહોતી શકી. માતાનો કણસાટ સાંભળીને અચાનક દીકરા એતવારી કુમાર અને લડ્ડુકુમારની નિંદર ઉડી ગઈ અને તેમણે જોયું તો તેમની માતાના પગ સાથે કોબરા લપેટાયેલો હતો. તેઓ ઘરની બહાર નીકળીને સાંપ હોવાની બૂમો પાડવા લાગ્યા. આ બૂમ સાંભળીને બીજા લોકો પણ આવી પહોંચ્યા હતા પણ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
આખરે દોઢ કલાકના ડ્રામા પછી કોબરાએ પોતાની પકડ ઢીલી કરવાની શરૂઆત કરી દીધી હતી અને ચાલ્યો ગયો હતો. આ ઘટનાની ચર્ચા સમગ્ર ગામમાં થવા લાગી હતી.